ભ્રમ
વહીદા ડ્રાઇવર
તું મને ચાહે છે
એવા ભ્રમમાં કયાં સુધી ભટકવું?
તારા માટે હું હાડપિંજર હોવ
કે પછી_
દરવાજાની ખખડતી સાંકળ હોવ
એ સનાતન સત્ય છે
મારા હોવા ન હોવાથી
કંઇ ફેર ન પડે તને છતાં
મરેલા
ઢોર જેવો લાગતો
મારો ચહેરો તું છેક
દફનાવી તો ન જ શકે
મને ખબર છે
ચંદ દિવસો
તે મારી સાથે ગાળ્યા છે
એ દિવસો
હવે
આકાશની
મંદાકિની બની ગયા છે
મારી કવિતામાં
સાક્ષાત
શબ્દ બની ગયા છે
એને તું હવે
ભૂલી ના શકે
મારી સાથેના એ દિવસો
તને હાંફ ચડે ત્યારે પી લેજે
મારે મન ત્યારે
આકાશ ઊતરવું સમજીશ
No comments:
Post a Comment