Thursday, 1 December 2016

ગીત

ચૂંટણીના ચાબખા ! ! ! કૃષ્ણ દવે ! ! ! (અસલ કાઠીયાવાડી ભાષામાં )

દેશી . . .

એને પેલ્લેથી ફાવે છે દેશી .

ઉડતા વિમાંનમાં'ય માંગે ઈ રોટલો ને ચાવે ખારેકની પેશી .
એને પેલ્લેથી ફાવે છે દેશી .

મેં કીધું સૂટણી નહી ચૂંટણી કહેવાય , તો ક્યે સમજ્યા ભાઈ સમજ્યા ઈ વાતને
દુનિયામાં કોઈ એવો રંગારો મળશે જે રંગી દે કાગડાની નાતને ?
સોરે બેસીને પ્હેલા ખેસતાતા બીડીયું ને આય અમે ખુરશીયું ખેશી .
એને પેલ્લેથી ફાવે છે દેશી .

એલા એક તો ઈ માંડ માંડ મન્ત્રી બન્યા ને પાસા માંગે મલાઈદાર ખાતા ?
ભૂલી ગ્યા ઢેફામાં રખડી ખાતા'તા ને સમ ખાવા દસ દિ'એ ન્હાતા !
મેં કીધું સત્તાની વહેચણી કરાય ,તો ક્યે આખ્ખી ગુજરાત એને વેશી
એને પેલ્લેથી ફાવે છે દેશી .

એલા છાસવારે સેના સૌ રાડ્યું પાડે સે ? આ નરબ્દા બંધ નથી થાતી
મેં કીધું સાહેબ જરા ધીમેથી બોલો, લાગે છે વાત આ બફાતી
તો ક્યે નરબ્દા ડોશીની ડેલીની વાત સે ને ? એલા મારી દેવાની એક ઠેશી
એને પેલ્લેથી ફાવે છે દેશી .

આપણાજ ખેલાડી ખેસે સે ટાંટિયા તો કેમ કરી થાશે આ ગોલ ?
મેં કીધું સાબ તમે છોડી દયો સત્તા તો આખ્ખોયે પ્રોબ્લેમ સોલ
કેમ કરી સોડું ?આ ખુરશી લગ પ્હોસવામાં વરસ લાગ્યા સે મને એંશી .
એને પેલ્લેથી ફાવે છે દેશી .

કૃષ્ણ દવે .

No comments:

Post a Comment