Friday, 30 December 2016

ગઝલ

એક પણ પગલું-સગડ મૂક્યા વિના, અવગત થઈને,
આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?

ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,
નોંધ લેવાયા વિનાનો હું ફરું છું વ્યક્ત થઈને.

ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.

સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયે
કૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.

ગત જનમનાં બીજ, અંકુરિત થવાની શક્યતા છે,
એક જણ, મારી નસોમાં, વહી રહ્યું છે, રક્ત થઈને.
- હિતેન આનંદપરા

No comments:

Post a Comment