એમ ના સમજો કે એ મારાથી જીરવાયું નહીં,
પણ તમારું હેત મારી આંખોમાં સમાયું નહીં…
એમને જોયા પછીની મારી આ દશા કાયમ રહી,
કોઇ પણ વાતાવરણમાં મન પરોવાયું નહીં…
તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું,
બહારનાં ઘોંઘાટમાં મને કશું સંભળાયું નહીં…
ઝાંઝવા પાછળ ભટકનારાની શી હાલત થઇ?
બે કદમ પાણી હતું પણ તરસ્યાથી દોડાયું નહીં…
મેં જ મારી આંખોથી જોઇ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં…
કોણ જાણે શું કરી બેઠા મુજ દિલ મહીં?
ખુદ મસીહાથી મારું દર્દ પરખાયું નહીં…
✍ નાઝિર દેખૈયા ✍
No comments:
Post a Comment