લાધી ગયો છે સૌથી નોખો જવાબ જાણે,
કાયમ રહે છે તેથી નોખો ખુમાર આંખે.
પીડા મુસાફરોની સમજી રહ્યો છે એ પણ,
તેથી હવે આ રસ્તો નોખો વળાંક ચાહે.
તેથી બની રહી છે રંગીન જિંદગી આ,
નોખો હકાર હમણાં,નોખો નકાર કાલે.
આંખો જો બંધ રાખો તો થાય આ અનુભવ,
આકાર આવરણથી નોખો ઉઠાવ આપે.
ટોળામાં કોઈને પણ જઈને સવાલ પૂછો,
કહેશે બધા 'મને તો નોખો અભાવ સાલે.'
'મેળવવું શું હતું ?'ની ધુમ્મસ ઊડી ગઈ છે,
આવ્યો છે જાતરામાં નોખો પડાવ આજે.
પૂજી રહ્યો છે શબ્દો ગુમનામ કોઈ ખૂણે,
એની ગઝલ થશે તો નોખો પ્રસાદ થાશે.
-જિગર ફરાદીવાલા
No comments:
Post a Comment