પ્રણયના ભાવને હું કેમ અટકાવી નથી શકતો ?
નહીં તારું થવા દિલને હું સમજાવી નથી શકતો !
ભલે વાદળ વિના વરસાદ વરસાવી નથી શકતો,
એ પાછો જળ વિના કોઈને તરસાવી નથી શકતો !
રહે છે મારી ભીતર તું, છતાં પણ દૂર મારાથી,
હું ચાહું છું છતાં પણ હાથ અડકાવી નથી શકતો!
પીડા તો છે ભીતર જો, કેટલી ને તે છતાં પણ હું
કદી પણ આ નયનને મારાં છલકાવી નથી શકતો !
એ તો ચાલે છે મારાથી બે ડગલાં બસ, સદા આગળ,
હું ઈચ્છું છું છતાં કિસમતને અજમાવી નથી શકતો !
ન હું તારાથી એથી દૂર જાઉં છું જો, વર્ષોથી,
કદી પણ હું તને એ રીતે તડપાવી નથી શકતો!
જો, ચિંતા આ જગતની તો સતત કરવાની છે એણે,
નિરાંતે દોસ્ત, આ ભગવાન લંબાવી નથી શકતો !
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment