Monday, 17 April 2017

ગઝલ

➖શકીલ કાદરી

સભામાં જાઉં તો હું એવી શાન રાખું છું.
યુવાન છું તો હ્રદય પણ યુવાન રાખું છું.

ધરમને જોવાની દ્રષ્ટિ, સમાન રાખું છું.
હું ગીતા સાથે હ્રદયમાં કુરાન રાખું છું.

પવિત્ર નાદ અને લયનું ધ્યાન રાખું છું.
હું ઘંટનાદની સાથે અઝાન રાખું છું.

કરું છું વાત ખુદા સાથે જયારે જયારે પણ-
ગઝલનો દીપ પ્રકટ દરમિયાન રાખું છું.

ગઝલનું મૂલ્ય સમજનાર કોઈ છે એથી-
હું કાફિયા ય બહું મૂલ્યવાન રાખું છું.

ગુલામ કોમમાં મુક્તિની ઝંખના જાગે
સતત હું એટલે બંધનનું માન રાખું છું.

કદમ ન ડગમગે, ધ્રુજે ન હાથની પ્યાલી,
શરાબી છું તો સુરાનું યે માન રાખું છું.

પરીકથાના કોઈ પાત્ર જેવું છે સર્જન,
અમર થઈ જશે ગઝલોમાં જાન રાખું છું.

'શકીલ' આ છે ગઝલ એટલે ગઝલ લાયક,
રવાની, રૂપ અને આનબાન રાખું છું

No comments:

Post a Comment