Tuesday, 9 May 2017

ગઝલ

આ રીતે વાટ શબરીને જોવાય નૈં,
રામ પણ ના મળે એને, બોરાંય નૈં.

થાય ત્યાંથી ભડાકા કરે પાનખર,
આ વખત સ્હેજ પણ ખરવું પોસાય નૈં.

‘નમવું’નો અર્થ પણ થાય ઊંચા થવું,
આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય નૈં.

હું ય મારામાં ક્યાંયે મળ્યો નૈં તને?
તો મને ક્યાંક તારામાં ગોતાય નૈં?

સાચવીને હૃદયમાં મૂકી દો કશે,
હોય જે ડાઘ ગમતા, તે ધોવાય નૈં.

થાય જો ભૂલ મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.

– અનિલ ચાવડા

No comments:

Post a Comment