Friday, 2 September 2016

હેમંત કારિયા

ગઝલ દશક

ટેરવા   આપે   છે   આમંત્રણ  જુઓ  રૂમાલને,
આવ્યા છે આંસુ નવા, મળવાને જઈએ ચાલ ને.

માણસોની    સંગ   રહેવું  કેટલું   છે  આકરું,
જ્યારે તલવારો મળે,  સમજાય  છે એ ઢાલને.

‘કાલ’નું કરશે  શું  એ,  કાલે સમય આપી જશે,
આપણે માટે જ  તો  એ  સાચવે  છે  ‘કાલ’ને.

તાલ  સાથે  તાલ  મેળવતા  હશે  જો સૂર તો,
સૂર   સાથે   સૂર   મેળવવો  પડે  છે  તાલને.

ગાલ, આંસુનો   બને   છે  માર્ગ ભીનો  એટલે,
ખંજનોની   મોંઘી   મિલ્કત  સાંપડી છે ગાલને.

ઘર  થવાની  ચાહના  જ્યારે  કરી દિવાલે, તો-
બારણાં  ને  બારી  ઊગ્યાં,  વ્હાલથી  દિવાલને.

જેમની   સંગતમાં   આવે છે  ‘મજા’ને પણ મજા,
એમની    સાથે   હવે  ‘હેમંત’ રહીએ,  ચાલ ને.
---------------------------------------------એક અંશ મારો લઈને મને દોર્યો તે ગઝલ
દોરેલા મુજને મારી સાથે જોડ્યો તે ગઝલ

હું કંઈ કમળની બંધ કળી જેવો છું નહીં,
તો પણ કમળની જેમ મને ખોલ્યો તે ગઝલ

પહેલા તે મારું બીજ બનાવ્યું અને પછી
એના હ્રદયમાં કેવો મને રોપ્યો તે ગઝલ

આભાર તારો વ્યક્ત કરું કઈ રીતે કહે
સર્જક તરીકે તારા મને શોધ્યો તે ગઝલ

હેમંત જે છૂપાયો હતો ક્યાંક મારામાં
એને ગજબ કુનેહ વડે ખોળ્યો તે ગઝલ
---------------------------------------------નવી દુનિયાનો માણસ છું વિચારો હું બધા રાખું,
નવા સામે નવા રાખું, જૂના સામે જૂના રાખું.

મજાની રાહમાં છું હું મજાથી આપ કંઈપણ તું
દરદ આપે દરદ રાખું, દવા આપે દવા રાખું. 

બધુએ મારા અંધારામાં રાખું છું યથા સ્થાને
સૂરજ સાથે સૂરજ રાખું, દીવા સાથે દીવા રાખું.

જે મનમાં હોય છે એને જ જીભે સ્થાન આપું છું,            .
ટીકા નામે ટીકા રાખું, દુઆ નામે દુઆ રાખું.

નથી છીનવી મેં સંગતની મજા કોઈની પાસેથી
ઝરા પાસે ઝરા રાખું શિલા પાસે શિલા રાખું

ગઝલસર્જક છું હું છંદો મુજબ ભગવાન બદલું છું
પ્રભુ બેસે પ્રભુ રાખું, ખુદા બેસે ખુદા રાખું.
---------------------------------------------તરસ્યા બનો તો ખૂબ રડાવે છે ઝાંઝવા,
શાયર બનો તો કેવા હસાવે છે ઝાંઝવા.

ગઝલોમાં જ્યારે ઝૂમતા આવે છે ઝાંઝવા,
ગઝલોને પાણીદાર બનાવે છે ઝાંઝવા.

રણને મૂકો ને આમ ગઝલ બાજુ તો જુઓ,
ગઝલોમાં એનું પાણી બતાવે છે ઝાંઝવા.

નિષ્ફળજનોનો રોષ બધો જાત પર લઈ
નિષ્ફળજનોની લાજ બચાવે છે ઝાંઝવા

પાણી ઉપર તરે છે બધા કિંતુ રણ મહીં
પોતા ઉપર પાણીને તરાવે છે ઝાંઝવા
----------------------------------------
સન્માનવા  ગયો તો સારારામના  આભનો છે દિવ્ય સિતારો શબરી
રામની  રાહ  તણો  એક  ઉતારો શબરી

તો ગઝલ રામ બની રોજ પછી આવે છે
જો કદી મનના થઈ જાય વિચારો શબરી

રાહ  જોવામાં હું તારા જ સમો પાક્યો છું
મા છે તું મારી અને પુત્ર હું તારો, શબરી

શ્રોતાઓ રામ સમા પૂજ્ય સદાને ગણવા
શે’રને ચાખી  તમે ખુદમાં ઉભારો શબરી

શાંત રાખીને સદા ચિત્ત, લખી છે ગઝલો
ધૈર્યના પંથી  અમે  ધર્મ અમારો  શબરી

રાહ  એવી રીતે મેં જોઈ છે એની હેમંત
એક સાથે હો જાણે મુજમાં હજારો શબરી
-----------------------------------------
હૈમંત કારિયા

No comments:

Post a Comment