આ જાતમાં થયા છે સુધારા સમય જતાં .
કેડી થી જેમ થાય છે રસ્તા સમય જતાં .
અનુભવનું મૂલ્ય તો જ ખરું થઈ શકે અહીં ,
ખુલ્લા મૂકી શકો જો ખજાના સમય જતાં .
બસ, આટલી સમજથી આ મન શાંત થઈ ગયું ,
વાદળ બની ને વરસે છે દરિયા સમય જતાં .
આ જિંદગીનો અર્થ મને આમ સાંપડ્યો ,
બદલાય છે વિચાર ને સપના સમય જતાં .
જોયો મેં સૂર્ય સાંજનો ને વાત માની કે,
પાણી બધા ના થાય છે વળતા સમય જતાં .
શ્રધ્ધા વિશેની વાત માં બસ આટલું જ કે..
મળતા રહ્યા લગાવ સવાયા સમય જતાં .
વિસ્તાર મારો જે થયો, સંજોગવશ થયો ,
મારી જ સામે લીધા મેં પગલાં સમય જતાં .
--------- લક્ષ્મી ડોબરિયા. P
No comments:
Post a Comment