શર્ત રાખશે--સંજુ વાળા
સમાધાનની સામે વસમી શર્ત રાખશે
પાળો, ના પાળો પણ અમથી શર્ત રાખશે
નકદ નિયમ ‘ને નવલી નવલી શર્ત રાખશે
નજીક લાવી અનેક તરફી શર્ત રાખશે
મારી સાથે તારે પણ ભીંજાવું પડશે –
ઊઘડવાની સાથે છતરી શર્ત રાખશે
ધૂઆંધારથી ઓછું બીજું કાંઈ ખપે નહિ,
ધૂળમાં ન્હાતાં પહેલાં ચકલી શર્ત રાખશે
કોઈ વિજોગી પ્રેમીજનને મઘમઘ કરવા
વીંઘાતી કસ્તુરી હરણી શર્ત રાખશે
કમળપાંદડી નહીં તો તારા હૃદયે વસીએ-
ઝાકળબુંદો કંકુવરણી શર્ત રાખશે
ભૂત-ભવિષ્યો આગળ-પાછળ, સ્વયં સાંપ્રત-
-વચ્ચે રહીને, ડાબી-જમણી શર્ત રાખશે
કદંબડાળી જેવું તું પણ લળી લળી ને
મસ્તીભર, મીઠ્ઠી, મદઝરતી શર્ત રાખશે
પરોઢની આંગળીએ આવી, વિદાય લઈશું
સોનેરી કિરણોની ઢગલી શર્ત રાખશે
No comments:
Post a Comment