*પલ* | *હૃદયનો સીધો અનુવાદ*
આઘાત-પ્રત્યાઘાતને સ્વીકારશો તો જામશે,
જીવન *વ્યથાનો વેદ* છે, વંચાવશો તો જામશે.
હિંમત પ્રમાણે દૂરતા વેઠી શકાતી હોય છે,
હિંમત પ્રમાણે જાતને તડપાવશો તો જામશે.
ગુસ્સો બધોયે ઠાલવી દેજો, અમારી ના નથી,
છેલ્લે મજાનાં શે'ર સંભળાવશો તો જામશે.
જૂલ્ફો તમારી -જેમ છે એમ જ રહે, જલસો પડે,
ધીમે રહીને એક *લટ* સરકાવશો તો જામશે.
*આલાપજી* વ્યસની નથી એવી હવા છે ગામમાં,
ઠપકાભરી *કૈફી નજર* ટકરાવશો તો જામશે.
*ચિંતન મહેતા*
*આલાપ*
No comments:
Post a Comment