Wednesday, 1 March 2017

ગઝલ

શિક્ષકને   વિનંતી..
~~~~~~~~~~
જે ઝાડથી પંખીનો માળો ધબ દઇ તૂટી પડે,
એ ઝાડને શું થાય છે, એ પણ જરા શિખવાડજો.

અકબર,શિવાજી,શાહજહાં,રાણા કે પાણીપત પછી,
આકાશ પણ વંચાય છે, એ પણ જરા શિખવાડજો.

જો વર્ગમાં એકાદ ખિસકોલી સહજ આવી ચડે,
તું કેમ છે.?-પુછાય છે, એ પણ જરા શિખવાડજો.

સોમાંથી છન્નુ લાવવાની જીદ કરે જયારે બધા,
શૈશવ કેવું રહેંસાય છે, એ પણ જરા શિખવાડજો.

ઝાકળનું ટીપું ફૂલ પર બેસીને સૃષ્ટિને જુએ,
દર્શન એને કહેવાય છે, એ પણ જરા શિખવાડજો.

અંતે શીખીને બહુ બધું, ભુલી જવાનું હોય છે,
જે આવે છે એ જાય છે, એ પણ જરા શિખવાડજો..

હિતેન આનંદપરા

No comments:

Post a Comment