મન્ન થયું : ગીત
ગાગરથી સાગરને ભરવાનું મન્ન થયું!
મનજીને આજ મૌજ કરવાનું મન્ન થયું!
ખેતરમાં મ્હાલે છે મૉલ મોજીલા થઈને
ખેડૂતના ચ્હેરે હળવાશ હરખીલા થઈને
ચાડિયાને સંગ ચાળા પાડવાનું મન્ન થયું!
મનજીને આજ ...
આકાશે રંગોની ભાત શું બીછાવી છે!
સાંજ આજ સોળ શણગાર સજી આવી છે!
ફૂલો સંગાથે આજ મ્હેકવાનું મન્ન થયું!
મનજીને આજ ...
પાદરથી ગાયોનું ધણ આવવામાં છે!
મંદિરમાં ઝાલર ને ઢોલ વાગવામાં છે!
વાંસળીને હોઠે વળગાડવાનું મન્ન થયું!
મનજીને આજ ...
ગાગરથી સાગરને ભરવાનું મન્ન થયું!
મનજીને આજ મૌજ કરવાનું મન્ન થયું!
- હરિહર શુક્લ
૧૮-૦૬-૨૦૧૭
No comments:
Post a Comment