-: અધૂરું મિલન :-
આખી રાત આકાશ
વરસ્યું કે આંખ
કહેવું મુશ્કેલ. ...
વાછાંટ ની સફેદી
ઉદાસીનો પર્યાય
ને યાદોનો વરસાદ
અવિરત
કેમ ભૂલી શકાય ?
તું જ કહે. ...!
ચોતરફ ખામોશીને
એમાં ઊડતી સન્નાટાની પળો
જે શાયદ મને હવે
ફરી મળવાની ન હતી
મારો ચહેરો
કિં:કર્તવ્યમૂઢઃ
હોઠનો ફફડાટ જાણે
પ્રાર્થનાની નવી લિપીને
ઉકેલવાની મથામણ
એ પણ શબ્દો વગર
શું કહેવાય???તું જ બોલ
હતો કોઈ એવો વિષય???
હું તો તને હાથ પકડી
રોકી પણ નહોતી શકતી
અળવી હતી એ સ્થિતિ
જ્યારે તે હાથ લંબાવી
મારા હથેળીઓ ને
કસી લીધી હતી
એક પળે લાગ્યુ જાણે
રેખ થી રેખ મળી જશે
કપકપાતા તારા હોઠ
મારી આંખે અડયાને
પી ગયા બે અશ્રુબિંદ
જે તારી છબિને
ધૂંધળી બનાવી
મને છેતરતા હતા
પણ આ તે સારું ન કર્યુ
આ બે નમકીન ટીંપા
આપણી ખામોશીના
સાક્ષી બની સદૈવ
મારી સાથે રહેવાના હતા
પણ અફસોસ
તે તો એ પણ
છીનવી લીધા મારી પાસેથી
આસપાસ ના ઘોંઘાટ
છતાંય તારું મૌન
કોઈ ગુફામાંથી આવતા
મધમ ધ્વનિ સમ ભાસતો હતો
હું એ મૌનમાં ન્હાઈ
મારી જાતને
સ્વચ્છ અને પવિત્ર
મહેસૂસ કરી રહી હતી
પણ...પણ..આ બધુંય
છેલ્લી પહેલી વાર હતું
એ હું કેમ ભૂલી ગઈ
કેમ ભૂલી ગઈ કે
સાગરની લહેરો
પોતાની સાથે
પગના નિશાન પણ
લેતી જાય છે. ..
હવે મારી પાસે છે,ફક્ત
આંખોના પાંપણ પર
તારા હોઠનો ભીનો સ્પર્શ
ને હાથને કસીને છોડ્યા પછી
રેખમાં મળેલ
અધૂરી સફરનો વૃતાંત
ભાગ્યમાં આવું મિલન હતું? ???
©હેમશીલા માહેશ્વરી" શીલ"
No comments:
Post a Comment