ફકત એ લોકને અર્પણ છે દિલ મારૂ કલા મારી ,
ગઝલ વાંચન વિના સમજે છે જેઓ વેદના મારી .
હજુ તુજથી વફાની આશ રાખે છે વફા મારી
પછી સાંભળજે હમણાં તો અધૂરી છે કથા મારી.
મને ઓ દોસ્તો એ વાતમાં મજબૂર ના કરજો ,
કે મારા હોઠ પર આવીને અટકી જાયે હા મારી.
હરીફોને આ મારો રંગ કાંટા જેમ ખટકે છે,
કે હું શબનમ નથી તોયે છે ફૂલોમાં જગા મારી.
હું માનું કે ન માનું એની એ પરવા નથી કરતો ,
સમય જ્યારે પડે છે લાજ રાખે છે ખુદા મારી.
મહોબ્બતમાં અને વહેવારમાં એક જ તફાવત છે
તમારું દર્દ હું પૂછું તમે પૂછો દવા મારી .
આ એક શાયરની પંક્તિ છે 'મરીઝ' એનું તખલ્લુસ છે ,
નથી ગુજરાતનાં પૂરતી ગઝલ મારી કલા મારી .
-મરીઝ '
No comments:
Post a Comment