Friday, 16 March 2018

ગઝલ

ગઝલ

તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.

ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.

તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?

લગીરે ફેર ના પડશે અમારી પ્રીતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.

નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર ‘નાઝીર’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.

– નાઝીર દેખૈયા

No comments:

Post a Comment