Thursday, 22 March 2018

ગઝલ

દુ:ખ અને ફરિયાદ વત્તા રોષ વત્તા અશ્રુઓ
માંડી સરવાળો જુઓ આવે છે ઉત્તર શું ? કહો

જે તમે ચાહો ઉમેરીને કરી લો ગણતરી
અંતે વધતું શૂન્ય;એ ફરિયાદ ક્યાં કરશું? કહો

પ્રશ્ન વત્તા શંકા વત્તા ખોખલો વિશ્વાસ હો
જો મળે ઉત્તર, તો એ આઘાત જીરવશું ? કહો
 
આંખ વત્તા સ્વપ્ન વત્તા મુઠ્ઠી એક ઉજાગરાં
ને વધે ખાલીપો એને ક્યાં જઈ ભરશું?કહો

પાંખ વત્તા આભ વત્તા આશ ઉડવાની છતાં
ને ગુણકમાં હોય પીંજર; શું હવે ઊડશું ? કહો

#કિરણ જોગીદાસ

No comments:

Post a Comment