શબ્દ ધારોધાર કમ સે કમ મને દેજે ગઝલ
અર્થ આરોપાર કમ સે કમ મને દેજે ગઝલ
હું મને ભીંસ્યા કરું મારી જ મુઠ્ઠીમાં સતત
એટલો પડકાર કમ સે કમ મને દેજે ગઝલ
એ મને શોધ્યા કરે, શોધ્યા કરે, શોધ્યા કરે
વ્યાપ,એ વિસ્તાર,કમ સે કમ મને દેજે ગઝલ
નોખા, અનોખા રૂપ-રંગે તું મને જન્માવજે
આગવો અવતાર કમ સે કમ મને દેજે ગઝલ
આંખમાં ખેંગાર, રોમે રોમ રાણક ઊમટે
ગોદમાં ગિરનાર કમ સે કમ મને દેજે ગઝલ
.. સુરેન્દ્ર કડિયા
ગઝલ*
*નાજુક સિતમ ગુજારનાર , ટૂંકમાં અમે*
*ફૂલોના નામ પાડનાર , ટૂંકમાં અમે*
*જીતી ગયાનો જશ્ન મનાવ્યો જુદી રીતે*
*હારી ગયા હજાર વાર , ટૂંકમાં અમે*
*શબ્દોની શિલાઓને ચરણરજની રાહ છે*
*આવી ગયા ઉગારનાર , ટૂંકમાં અમે*
*સ્વપ્નીલ તળેટીમાં એક પ્રશ્ન ઉઠાવી*
*પર્વત પૂરો જગાડનાર , ટૂંકમાં અમે*
*સીધે સીધો વહી જતો હતો કશે ક્યાંક*
*મબલક સમીર વાળનાર , ટૂંકમાં અમે*
.. *સુરેન્દ્ર કડિયા*
No comments:
Post a Comment