Tuesday, 16 October 2018

ગીત

*કાગળ*

મેં તો કાગળ લખ્યો રે હરિરાયને

કદંબ ડાળની કલમ કીધી જમના જળની શાહી
મટુકીમાં સ્નેહ શબદ વલોવી નીપજાવી પ્રેમની વાણી
વાંસળીના સૂરમાં પુરી સૂર તાલને
મેં તો કાગળ લખ્યો રે હરિરાયને

સિર મુકુટ મોરપંખનો પહેરી નયને અમીરસ ધારી
કમલ શું તારૂં મુખડું મજાનું અંગે ચંદનની આડી
બાંકે બિહારીના નયને સમાયને
મેં તો કાગળ લખ્યો રે હરિરાયને

યુગે યુગે તારી રાહે અટવાયો આવવાનું તું વિસરીયો
તારા વિના ભુલો પડી હું ભવરણે કેટલાં જનમ ભટકીયો
જનમોની તરસ આવીને બુઝાવને
મેં તો કાગળ લખ્યો રે હરિરાયને

અમીટ છાપ તારી તારણહારની ભવસાગર તું તરાવને
તારા વિના સૂની સૂની ગાવલડી આવીને તું તો ચરાવને
માત-પિતાની પ્રીત યાદ દેવાને
મેં તો કાગળ લખ્યો રે હરિરાયને

રાધા રાણી જમુનાને કાંઠડે આંસુના પૂર વહાવે
ગોપ ગોપી સૌ સૂનમૂન સૂનમૂન બેઠાં વૃંદાઘાટે
તુલસીવનની યાદ મનમાં છવાયને
મેં તો કાગળ લખ્યો રે હરિરાયને

સરલા સુતરિયા

No comments:

Post a Comment