Thursday, 21 March 2019

ગીત

સહુને પોતીકુ રંગરંગીલું આકાશ મુબારક....
રંગપર્વની અઢળક શુભેચ્છાઓ....

ઉઘડ્યા છે ગંધના નેણ હાલ સખી જોવાને જઈએ,
વૃક્ષો પર ઢોળાયા નભના કૈ કે'ણ હાલ સખી જોવાને જઈએ....
      હાલ સખી જોવાને જઈએ.....

ફળિયામાં મઘમઘતો ચંપો  હસ્યોને,અલી હું તો ખોવાઈ ગઈ રેનમાં....
કોરી હથેળીમાં ચચરે ગુલમહોર સખી પોઢી ગઈ ધીરેથી ઘેનમાં....
ફાગણે દીધાં છે વે'ણ હાલ સખી જોવાને જઈએ......

આંખલડી મીંચાણી સપનાંના તીરે ને ખુલે જૈ દરિયા ની પાર...
ફાગણીએ રંગાતી ગોપીઓ જોઈને વળી ઉભરાતી સુગંધીધાર...
વાંસલડી માગે છે દે'ણ હાલ સખી જોવાને જઈએ....

પાંપણના પલકારે  ધસમસતાં પડછાયા વળગી વળગીને ભરે બાથ...
ટેરવાનો સ્પર્શ થતાં કોયલ ટહુકા ભરે વાસંતી વાયરાની સાથ...
પિયુએ માર્યું છે મે'ણ હાલ સખી જોવાને જઈએ....

              પારુલ બારોટ.....

No comments:

Post a Comment