મને જોગીની માફક રાખમાં રાખી અને જોયું,
સળગતા કોલસાને હાથમાં રાખી અને જોયું.
નથી પડવા દીધું આંસુની માફક સ્હેજ પણ નીચે;
ગગન આખું અમોઅે અાંખમાં રાખી અને જોયું.
હટાવ્યા સર્વ અવરોધો અમે રસ્તા વચાળેથી;
પછી બ્રહ્માંડ આખું બાથમાં રાખી અને જોયું.
સિતારા,સૂર્ય,પંખી,ચંદ્ર ને જંગલ,નદી,પર્વત;
બધું મેં રોજ સાંજે સાથમાં રાખી અને જોયું.
અમે તો સર્વ સોનામહોરને પાણીમાં નાખી છે;
કલમ-કાગળ ફકત આ કાંખમાં રાખી અને જોયું.
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment