Wednesday, 14 September 2016

ગઝલ

કાચ તૂટ્યો એક પથ્થરની કથા પૂરી થઈ,
શબ્દ પ્રગટ્યો એક અક્ષરની કથા પૂરી થઈ.

ટોડલે બાંધેલ તોરણને ખબર પણ ના પડી,
કેમ ? ક્યારે ? એક અવસરની કથા પૂરી થઈ.

એક ફળ સાથે જ થઈ આરંભ માનવની કથા,
એ ક્ષણે ત્યારે જ ઈશ્વરની કથા પૂરી થઈ.

એમણે આવી, સહજ આંસુ લૂછ્યું મારું, પછી
કૈંક પીડા, કૈંક કળતરની કથા પૂરી થઈ.

શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.

-ઉર્વીશ વસાવડા

No comments:

Post a Comment