Monday, 5 September 2016

ગઝલ

"શબ્દો માં પ્રેમ"

હવે સાદગીમાં પણ મને ઇકરાર લાગે છે...
ચમનમાં હાજરી તારી ગુલેગુલઝાર લાગે છે...

અગાસીમાં તને જોવા હું રોજેરોજ આવુ છું..
સુરજને ચાંદ પણ તારા પહેરેદાર લાગે છે...

પ્રણયને લાગણીના સાવ ધીમા થઇ ગયાં સંચાર...
ઘણી વેળા મને મારા હૃદય પર ભાર લાગે છે...

અમસ્તું મોત છે બદનામ જો સમજી શકે કોઇ...
મને આ જિંદગી તો બે ઘડી ઊધાર લાગે છે...

નજારો જોઇને તારી ગલીમાં હું ય અટવાયો...
"સમય" બદલી ગયો એવું તો વારંવાર લાગે છે...

નયનથી માત આપીને હવે ખોવાઈ ગ્યાં છો ક્યાં...
તમારી આંખ પાસે તો બધાં લાચાર લાગે છે...

સરાજાહેર લોકો પણ કરે છે રૂપની ચર્ચા...
મને દિલ્લી નું આ કોઈ મિનાબાજાર લાગે છે...

ફરી આવી ગયા છે યાદ મુજને "પ્રાણ"ના શબ્દો...
હજી પણ કાનમાં કે'તા એ બરખુરદાર લાગે છે...

વરસ્તો "પ્રેમ" જોયો મેં તમારી આંખમાં અઢળક...
તમારા હાથમાં મોકો આ પે'લી વાર લાગે છે...

"પ્રેમ"
વિ.એ.ચૌહાણ
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)

No comments:

Post a Comment