Friday, 2 September 2016

લક્ષ્મી ડોબરિયા.

સન્માન થઇ રહ્યું છે જન્મોંની આ તરસનું
સહિયારું થઇ ગયું છે હોવું અરસ-પરસનું.

આપે છે જાગવાની સરખી જ તક, ને એથી
રાખ્યું છે સ્થાન સરખું, મેં તેજ ને તમસનું.

મારો મને પરિચય સ્હેજે થયો'તો જ્યારે,
રહેવાનું ૠણ કાયમ વાસંતી એ વરસનું.

આ જાત ઓગળી તો હોવાનો અર્થ જાણ્યો,
ને મૂલ્ય થ્યું સવાયું આ પ્રેમની જણસનું.

ખુદને મેં પ્રશ્ન પૂછ્યો કે કાલ કેવી ઊગશે ?
ઉત્તરમાં ધ્યાન રાખ્યું મેં આજના દિવસનું.

મારા સિવાય બીજું આ કોણ છે અરીસે ?
પ્રતિબિંબ શું ઝિલાયું ત્યાં ભીતરી કણસનું.

-------- લક્ષ્મી ડોબરિયા.

No comments:

Post a Comment