Friday, 28 October 2016

ગઝલ

કાગળ જોડે રાખો તો વંચાયા કરશે ,
વંચાશે તો દ્રશ્યો પણ ભજવાયા કરશે.

મનની અલમારીને તાળું નહિં મારો તો ,
દાગીના સૌ યાદોનાં ચોરાયા કરશે.

લાલચ આપીને બેસાડી રાખો સૌને ,
નહિતર ઈચ્છાઓ વચ્ચે અટવાયા કરશે.

નાનો ગોળો ચાલુ રાખી ઊંઘી જાજો ,
અંધારામાં સપનાઓ ગભરાયા કરશે.

સાચવશોને તોપણ એ તમને ગાંઠે નહિ ,
આંસુઓ તો મોતી છે વેરાયાં કરશે.

અઘરાં લાગ્યાં તેથી સૌ પડતાં મૂકે છે !
પણ જે કામો બાકી છે: ગોખાયાં કરશે.

સારી કે ખોટી રીતે - જે પણ રીતે હો ,
નામ 'પવન'નું હંમેશાં ચર્ચાયાં કરશે. -

'પવન'

No comments:

Post a Comment