Monday, 3 October 2016

ગઝલ

મેં જોઇ લીધી બાગમાં દુનિયા બહારની,
વસ્તી છે ફૂલ કરતાં વધારે તુષારની.

આ જિંદગી તો એના વિના કઇ રીતે વીતે ?
ઘડીઓ વીતી રહી છે ફક્ત ઇન્તેઝારની.

આ દિલનો મામલો છે,કોઇ ખેલ તો નથી,
બાજી નહીં હું માની શકું એને પ્યારની.

આધારની તલાશ છે મુખ ફેરવો નહીં,
ઓ દોસ્તો, આ શોધ નથી કંઇ શિકારની.

અહિંયા ઉજાગરાની નયનમાં રતાશ છે,
ને આભમાં છવાય છે લાલી સવારની.

એથી વિશેષ તેજ સિતારામાં હોય શું ?
શોભા બની રહ્યાં છે ફક્ત અંધકારની.

મનમાં હસી રહ્યો છું હું એની દયા ઉપર,
જેણે દીધી છે ભેટ મને અશ્રુધારની.

થોડી અસર જુદાઇની એને ય જો હતે,
થઇ ગઇ હતે અમારી મુલાકાત ક્યારની.

જાણે મરી જવું એ અહીં એક ગુનાહ છે,
બેફામ એમ કેદ મળી છે મઝારની.

–બરકત વિરાણી ‘બેફામ’ .....

No comments:

Post a Comment