ધર્મ શું છે-અર્થ શું છે-મોક્ષ શું છે- કામ શું છે ?
કંઇ ખબર પડતી નથી કે છેવટે પૈગામ શું છે ?
સરહદો પર શ્વાસ જોડે કામ લે છે જે સિપાહી,
એ જ જાણે છે કે સાચેસાચ પ્રાણાયામ શું છે.
કાલના અનુભવ ઉપરથી સૂર્ય પૂછે છે સવારે -
બોલ, વાદળ ! બોલ, તારો આજનો પ્રોગ્રામ શું છે ?
ગામના લોકોય તારી જેમ ઈચ્છે કે જીતી જઉં ,
હા જીતી જઉં, પણ કહે કે - જીતનું ઈનામ શું છે ?
ચિત્રગુપ્તે વ્યાકરણમાં કેમ આવી થાપ ખાધી -
'શું હતું? 'પૂછવાને બદલે પ્રશ્ન પૂછ્યો: 'નામ શું છે?'
સાવ કંઈ ઠુકરાવવા જેવી નથી કંઇ વાત એની,
આંગણે દીવા મૂકો છો તો 'પવન'નું કામ શું છે ?
- 'પવન '
No comments:
Post a Comment