Tuesday, 15 November 2016

મુકતક પંચક

મુકતક ષષ્ટક

જાદૂ નહીં તો શું બીજું ટહૂકે કર્યુ હશે
નકકર હતો જે વાંસ સૂરીલો બની ગયો
આ ભીતરી સફરમાં તો હું એકલી હતી
એ કોણ છે જે શ્વાસનો હિસ્સો બની ગયો

ભીતર ઊઠેલા નાદને થોડો ઉઘાડ તું
હર શબ્દ એક બ્રહ્મ છે ધીમે જગાડ તું
ઉત્સવ સમી છે જિંદગી,ક્ષણને બગાડ નહી
હર શ્ર્વાસ છેડી સૂરમાં એને વગાડ તું

લાવ મારાં સંસ્મરણ દઇ દે મને
ને જરૂરી આવરણ દઇ દે મને
તું કશો વિસ્ફોટ કર મારી ભીતર
મારું નિજી પોખરણ દઇ દે મને

અભાવોની સામે ન ઝૂકી જવાના
મળેલી પળેપળને જીવી જવાના
જે અમને મળાવે અમારી જ સાથે
ઘડી કોઇ એવી ન ચૂકી જવાના

તારે તો ખાલી પ્રેમનું અનુમાન હોય છે
મારે તો સીધુ પ્રેમનું સંધાન હોય છે
જો કે જરુરી એ નથી કે કોની પ્હેલ હો
આ આંખમાં ય પ્રેમનું સુકાન હોય છે

બધાં મ્હોરાં ફગાવીને હજી  હમણાં જ આવી છું
ભીતર ધૂણી જલાવીને હજી હમણાં જ આવી છું
નકામો બોજ જીવનનો લઇનેદોડતી'તી પણ
સમયસર એ હટાવીને હજી હમણાં જ આવી છું
              -   -  પ્રજ્ઞા વશી

No comments:

Post a Comment