Friday, 18 November 2016

ગઝલ

ઢસડી રહ્યો છે હરદમ સઘળે અભાવનો જે એ ભાર છૂટે એવું જલ્દી કશુંક થાજો,
અથવા તો આમ હાલક ડોલક થઈ રહેલી આ નાવ ડૂબે એવું જલ્દી કશુંક થાજો.

કંઈ કેટલા યુગોથી અથડી રહ્યા છે કલ્પન,સરતો નથી છતાં પણ એનો કશો જ મતલબ,
અવઢવ બધી જ્યાં જઈને ઓગળવા રાજી હો એ સંસ્થાન ખૂલે એવું જલ્દી કશુંક થાજો.

આઘે રહીને કાયમ શાબાશી આપી લોકો 'લડતો રહેજે' એવી આપે ભલેને હિંમત,
ક્યારેક કોઈ પાસે આવી વહાલ આપી હાલાત પૂછે એવું જલ્દી કશુંક થાજો.

રસ્તો ભૂલાવનારા લોકોની અવકૃપાથી ઠેબે ચડી ગઈ છે આ દેશની દિશાઓ,
ચિનગારી થઈને શબ્દો પ્રગટે કવિ કલમથી,'જય ગાન' સ્ફૂરે એવું જલ્દી કશુંક થાજો.

પડછાયા સામસામે યુદ્ધો લડી લડીને થાકી જવાના એવું લાગી રહ્યું છે 'જિગરા',
ફેલાઈ જાઉં ખુદમાં હું એટલું કે ચોગમ અંધાર ખૂટે એવું જલ્દી કશુંક થાજો.

🔹 જિગર ફરાદીવાલા 🔹

No comments:

Post a Comment