।। ગઝલ।।
એ લોકો સૌને સાવ નશામાં રાખે છે,
વસ્તીને કાયમ એ જ દશામાં રાખે છે .
એના ઘરની જડતી લેવા આવ્યું ધાડું ,
જે થોડીક બચત એક ડબામાં રાખે છે.
એ કબૂલ કરે યા ના ય કરે, એની મરજી,
કોઈ કસર તું શાને દુઆમાં રાખે છે.
લીલું હો યા સૂકું, બંનેને ફરકાવે ,
પવન ક્યાં કદીય ભેદ કશામાં રાખે છે.
કોઈ નથી આ જગમાં મારાથી ચડિયાતું,
કૈકને એવો ફાંકો હવામાં રાખે છે .
સુખની તલાશમાં ચરણો દોડે જેના પર,
એ મારગ સૌને કેમ વ્યથામાં રાખે છે?
બ્હાર કશુંયે ના કાઢે, એ વાત અલગ છે,
નહિતર એ તો ઘણું ય ઝભ્ભામાં રાખે છે.
।। રાકેશ હાંસલિયા ।।
No comments:
Post a Comment