Wednesday, 16 November 2016

ગીત

અમે રે સૂકું રૂનું પૂમડું,
     તમે અત્તર રંગીલા રસદાર
તરબોળી દ્યો ને તારેતારને,
     વીંધો અમને વ્હાલાં આરપાર
આવો, રે આવો હો જીવણ આમના...

અમે રે સૂના ઘરનું જાળીયું,
     તમે તાતા તેજના અવતાર
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
      ભરો લખ લખ અદીઠા અંબાર
આવો, રે આવો હો જીવણ આમના...

અમે રે ઊધઈખાધું ઇંધણું,
     તમે ધગધગ ધૂણીના અંગાર
પડેપડ પ્રજાળો વ્હાલાં વેગથી,
      આપો અમને અગનના શણગાર
આવો, રે આવો હો જીવણ આમના...

- મકરંદ દવે

No comments:

Post a Comment