Wednesday, 14 December 2016

બે ગઝલ

પસંદે આપની જે જે મને મળ્યું, સદા એમાં ધરાયો છું.
સ્વયં વરણી કરી જે ચીજ હું લાવ્યો બધામાં ભેરવાયો છું.

ખરીદી સ્વપ્ન એક જંગી રકમનું, પોરસાયો પેશગી આપી
પછી હપ્તાઓ ભરવામાં સરળ, સાથળ લગીનો વેતરાયો છું.

ઉતારી દૂરનાં ચશ્મા, બતાવી દૂરથી દુલ્હન, કહી સુંદર
નરી આંખે ઝબક આંજી, બનાવી માંડવે દુલ્હો લવાયો છું.

સસા સૂતા હશે રસ્તે, તું ચાલે કાચબાની મોખરે થાશે
ભગો એવો ભરમ વેંચી સસો ખુદ થૈ ગયો ને હું ડઘાયો છું.

મળે પૂર્ણાંકનાં પાકા હિસાબો ત્યાં લગી હાજર રખાયો છું,
પછી અતિસુક્ષ્મ એવો આંકડો હું દાખલામાં અવગણાયો છું.

ખબર શ્રીરામને ક્યા રોજ માહે સાલથી હું આ જગતમાં છું
જનમ તારીખ વાળા દાખલે તો એક જૂનેથી લખાયો છું.

તમે હો સુર્ય તો તમ સુર્યમંડળમાં જ છે છેડે ભ્રમણ મારુ
અલગ એ વાત છે રોશન થયો ના ના કદી તમને ભળાયો છું .

નિરંતર ધૂમ્રસેરો માંહે દમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
ભગત..લે આજ તો તુંને હું નમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

ફરી આવી ગયો ગોતી તરત બીજુ દરદ કૈં કાજ છે કે નૈં
હજૂ તો આગલું વારી વિરમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

સુખે મ્હારાજ થૈ ફરતો વ્યથાએ શ્વાન સમ નતપૂંછ કરગરતો
અદાકારીઓ તારી ખૂબ ખમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

ગયો ગળચી બધા વ્યંજન મુખે મારા ધરી..ખાલી સુંઘાડીને
કદી ના ભોગ મેં ખાધો..તે ગમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

મને પ્હેરાવીને વાઘા ચસોચસ, હાર ભારેખમ..ને ઊપરથી
રમાડ્યો તેં અહર્નિશ રાસ રમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

અધર નીરન્ધ્ર મારા તોય ગૅલનબંધ પિવરાવી ગયો ગોરસ !
મનખ સામર્થ દેખીને કમકમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

હતો હું વ્યાપ્ત બ્રહ્માંડે તરંગો આવતાં ઝીલ્યાં હયાતીનાં
કિરણવેગે અહીં આવીને થમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

ન સીમાઓ મહીં સંકોચ ગુણ મારો છતાં બૂતે પુરાઈને
નિરાકારી હું આકારોએ શ્રમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

નથી આબોહવા આવી કશે, જો હું પ્રકાશોવર્ષ પરિહારી
ધરા કૂંખે બની કૂંપળ ઉગમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
         
    જિજ્ઞેશ કોટડિયા

No comments:

Post a Comment