અભિનવ સાહિત્ય સભા ગીત ગઝલ સ્પર્ધા -૧
== પ્રથમ વિજેતા ગઝલ ==
પાંખને ફફડાવ, હિંમત જોડ ને ઊડાન ભર.
પીંજરાની કેદને તું તોડ ને ઊડાન ભર.
હામ ભર હૈયે અને બસ મોજથી શરૂઆત કર
જો મળે કેવી સફળતા, દોડ ને ઊડાન ભર.
આવશે વિકટ ઘડી પણ તું ન કર ચિંતા હવે
ભારને ખેરવ, તું સઘળું છોડ ને ઊડાન ભર.
સાથ ના સંગાથ હો તો એકલો ચાલી નીકળ,
જોમ જુસ્સો જાતમાં તું જોડ ને ઊડાન ભર.
રાહ જે રોકી રહ્યા છે ઘૂંઘળા થઈને “અયુ”
દર્પણોના બિંબને તું ફોડ ને ઊડાન ભર.
ડૉ અયના ત્રિવેદી ‘અયુ’, ભાવનગર
____
અભિનવ સાહિત્ય સભા ગીત ગઝલ સ્પર્ધા -૧
== દ્વિતીય વિજેતા ગઝલ ==
છે ઘરોબો આપણો તન્હાઈ સાથે
જેમ પડઘાનો પ્રણય હો ખાઈ સાથે
ને ઉપર આકાશ આખું હોય તો પણ
તું કરે મુકાબલો અભરાઈ સાથે !
બે અજાણ્યા પ્રેમનો જલસો કર્યો તો
આખે આખી જીંદગી ખર્ચાઈ સાથે
મેં પછી પોતાને પૂછ્યું કોણ સાથે?
ને તરત આવી હવા, વરતાઈ સાથે
આપણું વ્યક્તિત્વ છે ‘ઉસ્તાદ’ એવું,
રાઈથી લઈને મળીશું સાંઈ સાથે.
કૌશિક પરમાર ‘ઉસ્તાદ’, વડોદરા
_______
અભિનવ સાહિત્ય સભા ગીત ગઝલ સ્પર્ધા -૧
== તૃતીય વિજેતા ગઝલ ==
નથી જાણતા આસપાસ કે ઘરના લોકો
રોજ બગીચે ફરવા આવે છે આ ડોસો
નથી જાણતા આસપાસ એ ઘરના લોકો
ફળિયા વચ્ચે શું શું વાવે છે આ ડોસો
વારા ફેરે આંખ / કાનને તડકે મૂકી
પડછાયાનો સાથ નિભાવે છે આ ડોસો
રાજી રાખે મા બાળકને જેવી રીતે
મરકટ મનને એમ મનાવે છે આ ડોસો
ખાંસી ખાતી ડોશી સામે બેસી / ઊઠી
કેટ કેટલાં શ્વાંગ સજાવે છે આ ડોસો
વાત સાંભળી ત્યારે લાગી નવાઈ 'સોલિડ'
ઈચ્છાને પણ રોગ ગણાવે છે આ ડોસો
સોલિડ મહેતા, મોરબી.
_______
No comments:
Post a Comment