Monday, 19 December 2016

૩ ગીત (સ્પર્ધામાં વિજેતા)

અભિનવ સાહિત્ય સભા ગીત ગઝલ સ્પર્ધા -૧
== પ્રથમ વિજેતા ગીત ==

ગમતિલું શમણું

આંખ્યુંમાં આંજ્યું એક ગમતિલું શમણું ને સાહ્યબો મારો એવો કઈ હલક્યો.
કે એવો કંઈ છલક્યો જાણે બેઉ કંઠે ઉછળતું ઘૂંઘવતું પૂર !

સાહ્યબાની મેડીએ તમતમતો દીવો; હું બારણાંની આડશે ઊભેલી,
થાળેલા ઠોલિયાની મખમલ્લી ચાદરનાં ગીત ગાઉં એકલી અટૂલી.
ધીમા ધીમા પગરવનું કાને અથડાવું પછી, ધડકંતી છાતીમાં કળાયેલ મોરલા
એવું તો ટહુક્યા કે, એવું તો ગહેક્યા કે મેઘલી રાતમાં વરસે ચકચૂર.... આંખ્યુંમાં આંજ્યું

ઊગમણી દશ્યમાં ફાટ્યો છે પ્હો તોય હું નીંદર વીંટાળીને સુતી,
ઘોળીઘોળીને ઘૂંટ્યા રાતના ઉજાગરાને ઘટ્ટક ઘટ્ટક કરી પીતી.
પાંપણના કાંગરેથી બોલતા બપૈયાના પીહુ પીહુ ભણકારા એવાતો ખટક્યા
કઈ એવા એવા ડંખ્યા કે નીંદર ને સમણું બેઉ ફૂટીને ચૂર.... આંખ્યુંમાં આંજ્યું
કવિ શ્રી : મુકેશ દવે, અમરેલી
_______

અભિનવ સાહિત્ય સભા ગીત ગઝલ સ્પર્ધા -૧

== દ્વિતીય વિજેતા ગીત ==

વેર
લીલા વનમાં ડરી ગયેલા મૃગ માફક છું ઘેર,
મારી પાછળ પડી ગયું છે નાગણીઓનું વેર.
શ્વાસેશ્વાસે મહુવર છોડું, અરુપરું હું હેરુ,
દર્પણ સામે ઉભા રહી હું હવે રાફડા પહેરું.
કપોલ ઉપર સરી પડે સાચા મોતીના સેર ....મારી પાછળ...

ચાંદ અષાઢી વાદળ વચ્ચે, ફેણ ઉપરનો મણિ
રાત ફરે છે ઘરમાં જાણે ઠેક મદારી તણી
પવન કૂદતો બારીએથી લઇ ચંદનના ઢેર....મારી પાછળ...

કવિ શ્રી વીરુ પુરોહિત, જુનાગઢ
___________

અભિનવ સાહિત્ય સભા ગીત ગઝલ સ્પર્ધા -૧
== તૃતીય વિજેતા ગીત ==

અમને ઘટમાં હરિજી આવ્યા.
કરમ તણા આ કાવા ગોળી સંસારે જીવડાવ્યા.
જીવતરિયાનાં લૂગડે હરિએ શ્વાસોને શીવડાવ્યાં ...અમને ઘટમાં

હરિ જાપના્ ચારણિયામાં મનના કચરા ચાળ્યા,
સદ્કર્મોના ચંદનિયાથી ઘસી રંગી તન વાળ્યા,
અંગે આંખે કેસરફૂલડાં હરિએ છલકાવ્યા ...અમને ઘટમાં....

જગ આખાને ચેતનવંતા હરિભાવથી જોયા,
શ્વાસેશ્વાસે હરિ નામના મણકા કંઠે પરોવ્યા.
રુંવેરૂંવે તમ્બુરતારો બ્રહ્મનાદના વાગ્યા ...અમને ઘટમાં....

ડબાક ડમરું, ધૃબાંગ ઢોલક અંતરિયામાં બાજે,
નવસો નવ્વાણું નાળે નામ તમારું ગાજે.
કણકણ સઘળા પરભુ અમને કંકુવરણા લાગ્યા ...અમને ઘટમાં.
..
કવિયિત્રી શ્રી : હેમા ઠક્કર, મુંદ્રા
________

No comments:

Post a Comment