Tuesday, 13 December 2016

ગઝલ

આપનું ઘર જોઈ મનમાં થાય છે
સ્વર્ગમાં લોકો અમસ્તા જાય છે

રાહ રોકી આપ ના  ઊભા રહો,
આંખ ઢળતી એ ફલક પર જાય  છે.

આભમાં છે તારલા બે ચાર જો,
છાબ મારી તારલે છલકાય છે

ના ફકત હું,ના ફકત તું,તે છતાં,
આપણાંમાં આપણું પરખાય છે.

તું જ જીવન,તું જ મારું છે કવન,
ઝીંદગીમાં ના કશું બદલાય છે.

હોઠ પર આવીને અટકી જાય છે,
વાત છાની ક્યાં કદી કહેવાય છે.

આંખ પરખે આંખની ભાષા હવે,
હોઠથી ક્યાં નામ પણ લેવાય છે.

માફ કરવું,કે જતું કરવું અહીં
અેટલું પણ ક્યા કદી ખમાય છે.

ચાંદનીની વાત ના કરશો હવે,
ચાંદ પણ રાતો હવે તો થાય છે.
ડૉ.અયના ત્રિવેદી
અયુ

No comments:

Post a Comment