Sunday, 26 March 2017

ગઝલ

વર્ષોથી ભીતરે જે ભર્યું , ઠાલવું બધું ;
કાગળ તને જો એક ફરીથી લખી શકું !

વાદળ હઠે તો આભનો કટકો લઇ ઉપર
લહેરાતા મોલ, મોરનો ટહુકો તને લખું !

તારો નિવાસ ક્યા અને મારો મુકામ ક્યા ?
પહોંચી શકાય એટલું મારું નથી ગજું !

રસ્તા અનેક ક્યાંથી અચાનક પ્રગટ થયા ?
સમજાય ના કશું કે હવે કઈ તરફ વળું ?

આ ભીડમાં જ ખોઈ મેં નાખ્યો મને, હવે
બેબાકળો થઈને બધે શોધવા મથું !

સાથે મળી બધા જ ગુનેગાર ઠેરવે ,
સાચી ગવાહી આપવા કોને જઇ કહું ?

"આશિત"ને શું થયું કે અચાનક મરી ગયો ?
એના મરણનું હોય જે કારણ કહો ખરું !!

આશિત હૈદરાબાદી

અમારા ગઝલગુરુ આશિતભાઈને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ………………

No comments:

Post a Comment