Monday, 27 March 2017

ગીત

અરેરે આ તે કેવું  સાહિત્યકારણ ? જેમાં  મોતનો'ય મલાજો ના જળવાય ! ! !

આખલા ! ! !

એક તો શેરી સાંકડી એમાં આખલા બાધે બે
ભૂલથી આડા ઉતરે એને હડફેટે ઇ લ્યે 

આંખમાં ખુન્નસ એટલું જાણે ફફડે આખો કાળ
ઢીંકની એવી બીક તે પાકી ભીંતને પડે ફાળ
ખરીએ ઊડેલ ધૂળ બિચારી ધ્રૂજતી ઊભી રયે

એક તો શેરી સાંકડી એમાં આખલા બાધે બે

ગામ આખ્ખામાં વાત ફેલાણી લોકને થયું જોણું
કોક’ની તૂટે ખડકી અને કોક’નું ફૂટે દોણું 
હામ ભીડી કોઈ તગડે નહીં  એક બીજાને ક્યે

એક તો શેરી સાંકડી એમાં આખલા બાધે બે

ફટવી માર્યા આટલા એમાં આપણો મોટો હાથ
નાકમાં ઘાલી નહીં ટાણાસર આપણે એકેય નાથ
આખલા હવે શેરીયુંમાં નહીં આપણી ભીતર છે   

એક તો શેરી સાંકડી એમાં આખલા બાધે બે

લખ્યા  તારીખ          તા-૧૮.૧૨.૨૦૧૫                             કૃષ્ણ દવે .

No comments:

Post a Comment