હું હવાની જેમ ચારેકોર લ્હેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ર તો ઊભો જ છે,
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ર તો ઊભો જ છે.
લોક રાખે છે ઇનામો કેટલા મારા ઉપર,એ વાતની તમને કશી ક્યાં છે ખબર ?
શોધવું મુશ્કેલ મારું પગેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ર તો ઊભો જ છે,
જીવતામાં જીવ છું હું ને મરેલામાં મરણ એવી જ છે કૈં વાયકા મારા વિશે,
ક્યાંય પણ મારું નથી એકેય દેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ર તો ઊભો જ છે,
ગૂંચવીને વાતને છેવટે ઉકેલી નાખવી એવી રમત ગમતી મને ને એટલે,
આંધળે કૂટાય છે ક્યારેક બહેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ર તો ઊભો જ છે,
ગીતમાં હુ લય બની લહેર્યા કરું છું, ને ગઝલમાં ગાલગાગા ગાલગા,
વેદનાઓ પાઇને વૃક્ષો ઉછેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ર તો ઊભો જ છે,
હું જ છું કે જે નશામાં ચૂર થઇને છેક ઈશ્ર્વરના ચરણ પાસે જતો ને આખરે,
કોઇ શ્રધ્ધા તણું શ્રીફળ વધેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ર તો ઊભો જ છે,
- ડો. અનિલ વાળા
No comments:
Post a Comment