Wednesday, 10 May 2017

ગઝલ

સાવ સામે આવી ઊભા હો અને,
શક્ય છે હું ઓળખું ના આપને !

સાંભરણ, સંબંધના ઊંડાણને
તાગતા અડકી જવાતું આભને !

કેટલાં પાછળ લીસોટા પાડવા ?
એની ક્યાં કૈ પણ ખબર છે સાપને !

ખૂલ્લું છે આકાશ પણ મન બંધ છે-
કેમ ફફડવું ? ઊગેલી પાંખને !

પહોંચવું, પામી જવું, તરછોડવું,
એ જ ઘટનાક્રમ મળ્યો તમને-મને !

જે કહું છું એજ પાછું સાંભળું,
સાંભળ્યું જે એ જ કહેવાનું બને !

છાંયે બેસે એની છાયા ઓગળે,
તડકે ચાલે એ ગુમાવે ઝાડને !

-સંજુ વાળા

No comments:

Post a Comment