મન્ટો ઓ મન્ટો...
લાહૌરની ધરતીમાં ધરબાઈને તું પડ્યો તો છે
પણ
ત્યાં તારા જીવને શુકુન છે ખરું?
કે પછી બમ્બઈની યાદ આવે છે?
ઈચ્છા હોય તો બોલ,
ટેટવાલના કૂતરાને લઈને હું છેક વાધા સુધી તને લેવા આવીશ
રસ્તામાં ટોબા ટેક સિંઘને મળતા આવીશું.
કહે છે આજકાલ એ પંજાબ તરફ ક્યાંક વસે છે અને એનું મગજ પણ થોડું ઠેકાણે છે!
પછી
તને તારા બમ્બઈ લઈ જઈશ અને એક જ્હોની વોકર પીવડાવીશ.
આમેય ઢીંચે પછી તું વધારે સારો બની જાય છે...
અરે,
પેલા કમાઠીપૂરાની સુગંધીઓ એકવાર મને કહેતી હતી કે,
એમની બ્લાઉસમાં એમણે જાતજાતની વાર્તાઓ સંતાડી રાખી છે
ત્યાં એક ચક્કર મારી આવીને એ જીવતી વાર્તાઓ ગજવામાં ભરી લાવશું...
તારા સિવાય એ અજન્મા વાર્તાઓ લખવાની તાકાત પણ કોની?
જોકે પછી તું પાછા જવાની વાત નહીં કરતો
અહીં તને ચાહનારાઓની સંખ્યા કંઈ નાની નથી...
જીવવા માટે ભારત અને મરવા માટે પાકિસ્તાનની તારી બેહૂદી પસંદગી અમે ચલાવી લેવાના નથી...
- અંકિત દેસાઈ
No comments:
Post a Comment