ઢાળ :- એકલાં જ આવ્યાં મનવા, એકલાં જવાનાં...
જનમ્યાં છીએ તો ભેરું, મૃત પણ થવાનાં,
ભાડાંખત, થાશે પૂરો, બીજે રે જવાનાં....
શરીર ભાડાંનો માળો, જાણીતી વાત છે,
મહેમાન જેવો આતમ, પારેવા જાત છે,
જાણીતી વાત છે જી રે...
પારેવા જાત છે જી રે....
સમય જો આવશે ત્યારે, ઉડી રે જવાનાં,
ભાડાંખત, થાશે પૂરો, બીજે રે જવાનાં....
તારું-મારું કરવામાં, જીવતર જાય છે,
લાલચ બનીને કીડો, સંબંધો ખાય છે,
જીવતર જાય છે જી રે....
સંબંધો ખાય છે જી રે....
આંખ બંધ થાશે બધું, મૂકી રે જવાનાં,
ભાડાંખત, થાશે પૂરો, બીજે રે જવાનાં....
સરવાળો બાદબાકી, શ્વાસોચ્છવાસ છે,
શેષ જે વધે છે એ તો, માનવ લાશ છે,
શ્વાસોચ્છવાસ છે જી રે....
માનવ લાશ છે જી રે....
લઈ નામ રામનું, સત્ય રે થવાનાં,
ભાડાંખત, થાશે પૂરો, બીજે રે જવાનાં....
જનમ્યાં છીએ તો ભેરું, મૃત પણ થવાનાં,
ભાડાંખત, થાશે પૂરો, બીજે રે જવાનાં....
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Monday, 8 May 2017
ગીત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment