Thursday, 4 May 2017

ગીત

આકાશી બારીથી પેલો સૂરજ કાઢે મોટા ડોળા,
નાનું અમથું વાદળ પેલું કરતું જોને ખાખાખોળા!!
ઉષા એ લીધી અંગડાઈ,
ત્યાં તો સૂરજ ગયો વલોવાઈ,
કોયલડીએ કામણ કીધાં,
ભોર સુહાની લે ભરમાઈ.
કાળા ધોળા પંખીઓના ઊડે જોને ટોળેટોળાં,
નાનું અમથું વાદળ પેલું કરતું જોને ખાખાખોળા!!
મંદિરમાં ઘંટારવ ગાજ્યો,
વાછડો ગૌરી ગાયને બાજ્યો,
લથબથ થાતી પનિહારીથી,
પીળચટ્ટો ગરમાળો લાજ્યો.
પારિજાતની સીમાડા પર વરસી જોને છોળંછોળા,
નાનું અમથું વાદળ પેલું કરતું જોને ખાખાખોળા!!
ગલગોટાએ મોં ફૂલાવ્યું,
સૂરજમુખીએ જો સંભળાવ્યું,
સાત દરજ્જે તારાં કરતાં,
રતુંબડું ગુલાબ વખાણ્યું.
કુસ્તી ફૂલો કેરી જોઈને સૂરજ ફેંકે અગનગોળા,
નાનું અમથું વાદળ પેલું કરતું જોને ખાખાખોળા!!
તાપ-પવનની લાગી લડાઈ,
ઉનાળાએ કરી ચઢાઈ,
ધોમધખતો તાપ ઓકીને,
સૂરજ હાંકે કેવી બડાઈ!!!
ચૈત્રી તાપે તપતો માણસ, તરુવર પણ બિચારાં ભોળા,
આકાશી બારીથી પેલો સૂરજ કાઢે મોટા ડોળા!!!
             ડો જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment