Sunday, 18 June 2017

ગઝલ

ભૂલી શકાય શી રીતે તન તોડતા પિતા;
ચાલી શકત ન હું, અગર ના દોડતા પિતા.
હું એ જ દેખતો હતો જે દેખતા પિતા;
દુનિયાની ભીડભાડમાં રસ્તો થતા પિતા.
મારું શરીર આખરે એની જ દેન છે,
હું પણ દફન થઈ ગયો દફનાવતા પિતા.
તસવીરમાં જ રોજ હું શોધું છું રાતદિન,
તકદીરમાંથી થૈ ગયા છે લાપતા પિતા.
ઘરની દીવાલ તોડતાં તોડી દીધી છે મેં,
એકેક ઈંટ પર મને મળતા હતા પિતા.
૨૦-૧૦-૨૦૧૧
- અશોક ચાવડા 'બેદિલ'

પિતૃ દિવસની શુભકામનાઓ

No comments:

Post a Comment