નક્કી આ ચોમાસું બેઠું ! ! ! કૃષ્ણ દવે ! ! !
પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.
રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા કયે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.
નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈં આપે? પણ-
મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.
કઇ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબુ ભાષણ દઇને
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.
બીજા તો કોરાકટ્ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.
- કૃષ્ણ દવે
No comments:
Post a Comment