છોડવાની પામવાની ધારણા ખોટી પડી
જાતને સંભાળવાની ધારણા ખોટી પડી
રાત સાથે રાત થઈને રોજ મળવાનું છતાં,
સૂર્ય સાથે ઉગવાની ધારણા ખોટી પડી
આભમાં કેવો ગજબ ભુવો પડ્યો વરસાદનો,
ચોતરફથી ભીંજવાની ધારણા ખોટી પડી
છે ખુદા તો કયાંક એંધાણી થશે કયારેક તો,
રૂપમાં સંશોધવાની ધારણા ખોટી પડી
છે લગોલગ શ્વાસમાં, છે આંખમાં અકબંધ એ,
એમની પાસે જવાની ધારણા ખોટી પડી
ઠોકરો ખાધા પછી બસ એટલું સમજાય છે
મોતને પડકારવાની ધારણા ખોટી પડી
ચાલ,ઝરમર જાતને રસ્તો બતાવી દઉ ફરી,
ઝાંઝવાને ચાહવાની ધારણા ખોટી પડી.
.....વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment