Tuesday, 27 June 2017

ગઝલ

મને લક્ષ્ય બનાવી મારી જ ઉપર અખતરું કરે              
આ સમય જોને રોજ મારી સામે કાવતરું કરે

આકાશે તેજના નહોર ભરાવી જે અકળાવી મુકે
ને પછી એજ ક્ષિતિજના પરિઘ સુધી અંધારું ભરે

એક શ્યામ ચાદર ચાહ ભરે સૌના રુદિયે પછી
પાલખી સિતારાઓની સૌનું સઘળું સારું કરે

અજંપાઓ પચાવી ભીતર મહિમા સુખનો ગાઉં
એમ અંતરવિવેક અંદર સમાધાન એકધારું કરે

સૂકા લીલા કંઈ ઘાટ પખાળતી આ જીવનગંગા
ઘાટે ઘાટે એક તીરથનું નિર્માણ પરબારું કરે

આ પલની "પરમ" અનુભૂતિ ને આ વર્તમાન ક્ષણ
અચાનક ગતિ ઠહેરાવની "પાગલ" મન મારું કરે

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment