વસંતના રંગે રંગાવું : ગીત . શૌર્ય.
વસંતના વાયરાને ,ડોલે વનરાજી એવા,
ભવમાં રાજી રાજી થાવું ...રે....વાહલા મારે વસંતના રંગે રંગાવું !
આંબા ડાળે ઓલી,કોયલ બોલે એના,
સાદે જગ ભૂલી જાવું,
ગામની સીમે ઓલ્યો,મોરલો નાચે એની,
સંગ સંગ હું ઝૂલી જાવું ...રે....વાહલા મારે વસંતના રંગે રંગાવું !
રંગબેરંગી ઓલ્યા,ફૂલને પતંગીયાના,
રંગે મારે ચીતરાવું,
કેસુડાંના ફૂલને,પાણીમાં પલાળી એના,
ભગવા રંગે ભીંજાવું...રે....વાહલા મારે વસંતના રંગે રંગાવું !
ગુનગુન કરતાં ઓલ્યા,ભમરા આવે એને,
ફૂલરસ હું પીવડાવું,
ફાગણ લાવે ઓલી,યાદો વિજોગણની,
યાદોમાં જાત નવડાવું...રે....વાહલા મારે વસંતના રંગે રંગાવું !
તરુવરે મંજરીને આવે લીલા પાન થાય,
આખું મલક હરીયાળું,
ભવને ભૂલી હું તો માણું કુદરતને વાહલા,
જીવન થાય રઢિયાળું...રે....વાહલા મારે વસંતના રંગે રંગાવું !
વસંતના વાયરાને ,ડોલે વનરાજી એવા,
ભવમાં રાજી રાજી થાવું ...રે....વાહલા મારે વસંતના રંગે રંગાવું !
શૌર્ય પરમાર.
No comments:
Post a Comment