ન સ્થાપીને જોયું ઉથાપીને જોયું
ફકત નામ તારું મેં જાપીને જોયું
શિકારીએ તો પાંખ કાપીને જોયું
ને પંખીએ આકાશ માપીને જોયું
અહીં હું ને ચારે તરફ ઝાંઝવા છે
મને આ સ્થળે કોણે સ્થાપીને જોયું
હું સંજોગના હિમખંડે ફસાયો
મેં એવા સમે શબ્દ તાપીને જોયું
છતાં પાત્ર ખાલી ને ખાલી જ રાખ્યું
તો તેં શું હવે આપી આપીને જોયું
બધા રંગ રાગે તું મારામાં જાગે
વિલાસીને જોયું, વિલાપીને જોયું
અકથ એક અચરજ અલખનુ વિલસતુ
કીધા વિણ છાતીએ છાપીને જોયું
ભરત ભટ્ટ
No comments:
Post a Comment