મોતને મ્હાત
રેતમાં નાવ ચાલે ખરી?
બાવળે કેરી ફાલે ખરી?
વાત આજે કરી ખોટી જે
જો ઠરી જાય કાલે ખરી!
એસ્ટેરોઇડ ફંગોળ્યું છે
તેં જ ને તું જ ઝાલે ખરી?
તાણી તલવાર ઘા પણ કર્યો?
ઝીંકશે ઘા શું ઢાલે ખરી?
વાંક વાંકા નસીબનો નથી!
વાંકી રેખા છે ભાલે ખરી!
વેદના અશ્રુ થઈ આંખથી
પાંપણે થઈને ગાલે ખરી!
છે મુસીબત ભરી જિંદગી
મોજથી એ જ મ્હાલે ખરી!
દાવ આપી જુઓ પણ કદાચ
જિંદગી દાવ ના લે ખરી!
જિંદગીનો ભરોસો નહીં!
મોતને મ્હાત આલે ખરી!
- હરિહર શુક્લ
૨૫-૦૬-૨૦૧૭
ગાલગા ગાલગા ગાલગા
No comments:
Post a Comment